૨૬મી જાન્યુ.થી કેન્દ્રીય કર્મચારીઓ માટે બાયોમેટ્રીક હાજરી ફરજીયાત.
મોડા આવવાની ટેવ ધરાવતા અને વહેલા ચાલ્યા જવાની ટેવ ધરાવતા અથવા તો ગુટલી મારતા ગુટલીબાજોએ હવે ટેવ સુધારવી પડશે
નવી દિલ્હી : કેન્દ્રના
કર્મચારીઓએ હવે સતત એલર્ટ રહેવુ પડશે. ઓફિસમાંથી ગુટલી મારવાની ટેવ હવે
ભુલી જવી પડશે. તેઓએ હવે ઓફિસમાં સંપુર્ણ હાજરી આપવી પડશે. ર૬મી જાન્યુઆરી
ર૦૧પથી તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે બાયોમેટ્રીક હાજરી ફરજીયાત બની રહી
છે. આ વ્યવસ્થા હેઠળ કેન્દ્રની તમામ કચેરીઓને આવરી લેવામાં આવશે.
દિલ્હીમાં આવેલી કેન્દ્રીય કચેરીઓમાં આ વર્ષના અંતથી આ વ્યવસ્થા લાગુ
થશે. જયારે ર૬મી જાન્યુઆરીથી દેશના બાકીના ભાગોમાં આવેલી કેન્દ્રીય
કચેરીઓમાં કર્મચારીઓ માટે બાયોમેટ્રીક એટેન્ડન્સ ફરજીયાત બની જશે. તમામ
મંત્રાલયો અને વિભાગોએ ઇલેકટ્રોનીક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા
વિકસાવવામાં આવેલી આ વ્યવસ્થાને અપનાવી લેવી પડશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ
સિસ્ટમ કેન્દ્રીય વિભાગોમાં તૈનાત કર્મચારીઓના આધારકાર્ડ સાથે જોડાયેલી
છે. આ સિસ્ટમ હેઠળ દરેક સંસ્થાએ ખુદને વેબસાઇટ ઉપર રજીસ્ટર કરવી પડશે. આ
હાજરીથી કર્મચારીઓની ઉપસ્થિતિના ચોક્કસ આંકડા મળી શકશે વળી સંસ્થામાં
પ્રતિદિન કર્મચારીઓની સરેરાશ હાજરીની પણ જાણ થઇ શકશે. કામના કલાકોના આંકડા
પણ મળી શકશે એટલુ જ નહી રજા ઉપર હોય ત્યારે પણ હાજરી બતાવવાની સંભાવના પણ
સમાપ્ત થઇ જશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ
અંગેના પરિપત્રો જારી થઇ ગયા છે અને તેનો ર૬મી જાન્યુઆરીથી અમલ થશે. જે
કર્મચારી રોજે-રોજ મોડા આવવાની ટેવ ધરાવતા હોય તેમની સામે શિસ્તના પગલા પણ
લેવામાં આવશે. જે રીતે કર્મચારી મોડા આવશે તો તેની સામે પગલા લેવાશે એટલુ જ
નહી જે કર્મચારી સાંજે વહેલા ચાલ્યા જશે તેઓની સામે પણ પગલા લેવાશે.
મહિનામાં માત્ર બે વખત એકાદ કલાક મોડા આવવાની કર્મચારીઓની છુટ અપાશે. તે
પછી કર્મચારીઓએ સીએલ મુકી દેવી પડશે.
કર્મચારીઓની હાજરી આઇડી આધાર
નંબરના પ્રારંભ કે અંતના છ ડિઝીટથી બનશે. દરેક કર્મચારી માટે આધાર ફરજીયાત
બનશે. સરકારી વિભાગોમાં મુકવામાં આવેલા બાયોમેટ્રીક ટર્મીનલ પર કર્મચારીએ છ
આંકડાનો આઇડી નંબર નાંખવો પડશે પછી ફિંગર પ્રિન્ટનું વેરીફીકેશન કરવામાં
આવશે.