બાળકને નિયમિતતા કેવી રીતે શીખવશો?
નિયમિતતા એટલે જોડણીકોશને ધ્યાનમાં લીધા વિના કહી શકાય કે સમયપાલન,
ક્રમબદ્ધતા, વ્યવસ્થિતતા વગેરે. બાળકમાં જો નાનપણથી આ ગુણ વિકસાવવામાં આવે
તો ભવિષ્યના જીવનમાં તેને સફળ બનવામાં સરળતા રહેશે. તેનો માનમોભો ઊંચો હશે.
આ માટે ઘરમાં સવારે ઉઠવામાં આવે રાત્રે ચોક્કસ સમયે ઊંઘવામાં બાળકને
નિયમિત બનાવો. તે રીતે તેના જીવન માટે તેને કરવાની વિવિધ ક્રિયાઓ કે
પ્રવૃત્તિઓ પણ તે નિયમિત રીતે ચોક્કસ સમયે કરે તેનો આગ્રહ રાખો. શાળામાંથી
આપેલું ઘરકામ કે વાંચન લેખનમાં પણ તેને નિયમિત બનાવો. શાળામાં ચોક્કસ સમયે
દરરોજ જવાનો આગ્રહ રાખવો. શાળામાં વિદ્યાર્થી નિયમિત આવે તેટલું જ પૂરતું
નથી. પણ રિસેસ પછી વર્ગખંડમાં તરત જ આવી જાય, પ્રાર્થનામાં કે અન્ય
પ્રવૃત્તિઓ કરવાના ચોક્કસ સમયે તે હાજર રહે તેનો આગ્રહ રાખવો. અનિવાર્ય
સંજોગોમાં શાળામાં કોઈ બાબતમાં સમય સાચવી શકે તેમ ન હોય તો શિક્ષકને જાણ
કરવી કે પહેલાંથી જ મંજૂરી લઈ લેવી.
સમાજમાં કોઈ પ્રસંગે કે સગાંને ઘરે જતાં ઘણીવાર વાલીઓ સમય સાચવતા નથી. આ
અંગે વાલી ઘણીવાર એવું કહેતા હોય છે કે મોડા પડીશું તોપણ ચાલશે. અથવા તો
સમય સાચવવામાં વાલી ગંભીર બનતા નથી. આ બાબત ઘરમાં બાળક સાંભળતો કે જોતો હોય
છે જેથી તેનામાં પણ એવા જ અનિયમિત રહેવાના સંસ્કાર ઝીલાતા હોય છે. આવી
બાબતોથી વાલીએ દૂર રહીને નિયમિતતાના લાભ કે સૂત્રો બાળકો સમક્ષ વારંવાર
બોલવા જોઈએ. જેમકે, નિયમિત બનો, ચિંતામુક્ત રહો. જેના જીવનમાં નિયમિતતા
તેના જીવનમાં શ્રેષ્ઠતા, અનિયમિત વ્યક્તિ એટલે અવિશ્વાસુ વ્યક્તિ,
નિયમિત બનો સૌના માનીતા બનો. જે સમયને સાચવે છે તેને સમય સાચવે છે. આવા
સૂત્રો કે કહેવતો વારંવાર શાળા કે ઘરમાં બોલવાથી બાળકના મન પર તેની
હકારાત્મક અસર થાય છે. ઉપરાંત આપણી આસપાસ નિયમિત વ્યક્તિઓના વારંવાર ઉદાહરણ
કે તેમના કાર્યની રીતિનીતિની વાત અવારનવાર થવી જોઇએ. ક્યારેક ચોક્કસ
નિયમિત રીતે થતા કામના ઉદાહરણો આપો જેમ કે, મુંબઇમાં ટીફીન ર્સિવસ.
નિયમિત રહેતા બાળકોને પ્રોત્સાહન આપવું પણ ખૂબ જ જરૂરી છે. પ્રોત્સાહન
આપવાથી નિયમિત રહેતા બાળકોમાં વધારે ચોક્કસતા આવશે. શાળા કક્ષાએ આવા
બાળકોને અન્ય વિદ્યાર્થીઓની સામે રજૂ કરી તેના વખાણ કરો, તેનું સન્માન કરો.
વાલીએ પોતાના સગાં સામે પોતાના બાળકની નિયમિતતાની વાત બાળકની હાજરીમાં જ
કરવી. આમ કરવાથી તેનું મન વધારે મજબૂત બનશે. સાથે અનિયમિત રહેતા બાળકોને
નિયમિત બનાવવા માટે ધાકધમકી કામ નહીં આવે સમજાવટથી જ કામ લેવું પડશે.
અનિયમિતતા બદલ તેને ક્યાં અને કેટલું નુકસાન થયું તે સમજાવો. સાથે
નિયમિતતાથી શું ફાયદો થયો હોત તે પણ સમજાવો. તેની સામે બીજા નિયમિત બાળકોના
દૃષ્ટાંત યોગ્ય રીતે રજૂ કરો.
બાળકોમાં આ ગુણ તેમને સલાહ આપવાથી નહીં આવે, તેમની સામે તમે ઉદાહરણરૂપ
પણ બનો. આપણી અનિયમિતતા જોઇને જ આપણા બાળકો અનિયમિત બનતા હોય છે. બાળકો
સામે આપણે આપણા કામ નિયમિત કરવા જોઇએ. શિક્ષકે વર્ગખંડ કે પ્રાર્થનાસભામાં
કે શાળામાં કોઇપણ જગ્યાએ નિયમિતતાના દર્શન કરાવા જોઇએ. જો કોઇ કારણસર સમય
સાચવી શકાય તેમ ન હોય કે સમય સચવાયો ન હોય તો તેના વાજબી કારણ આપો. પણ આવું
વારંવાર બનશે તો તે કારણો કારણ ન રહેતા બહાના બની જશે તેની પણ કાળજી રાખવી
જોઇએ. આવી બાબતો વાલીને પણ એટલી જ લાગુ પડે છે. શાળામાં શિક્ષકના પ્રયત્નો
અને ઘેર વાલીના પ્રયત્નો હશે તો જ બાળકોમાં કોઇપણ મૂલ્ય વિકસાવી શકાશે. આ
બંનેમાંથી કોઇ એક નિષ્ક્રીય હશે તો સફળતા નહીં જ મળે. માટે જ વાલીએ
શિક્ષકોને સહયોગ આપવો જોઈએ અને શિક્ષકોએ વાલીને સહયોગ આપવો જોઈએ. એક હાથે
તાળી ન પડે તેના જેવી આ બાબત છે.