વેલેન્ટાઇન ડે નું મુલ્ય


પ્રેમની કોઈ ઋતુ ન હોય, પણ વેલેન્ટાઇનની સીઝન પ્રતિ વર્ષ જરૂર ધૂમધડાકા સાથે ત્રાટકે છે. વેલેન્ટાઇન્સ ડેને હજુ વાર હોય તો  પણ આપણે આગોતરા સેલિબ્રેટ કરી લઈએ,કબીર અને રહીમને સંગાથે. બન્નેની રચનાઓ પુસ્તકાકારે પ્રાપ્ય છે. એને સળંગ એકસાથે વાંચવાની અલગ મજા છે. ઔર એક મજાની વાત એ છે કે કબીર-રહીમની પ્રેમ વિશેની વાતોને પ્રેમી-પે્રમિકાના સંદર્ભમાં પણ જોઈ શકાય છે અને પ્રભુપ્રીતિ યા તો પ્રભુભક્તિના સંદર્ભમાં પણ જોઈ શકાય છે. ખેર, વેલેન્ટાઇન્સનો માહોલ છે એટલે આપણે નશ્વર દેહધારી મનુષ્યો વચ્ચે થતા પ્રેમ પર ફોકસ કરીએ.   
રહિમન પ્રીત ન કીજિએજસ ખીરા ને કીન,
ઉપર સે તો દિલ મિલાભીતર ફાંકે તીન.

રહીમ કહે છે કે પ્રેમમાં આડંબર કે દંભ ન હોય. પ્રેમને છળ-કપટ કે જૂઠ સાથે કોઈ સંબંધ નથી. ખીરા એટલે કે કાકડી બહારથી વન-પીસ દેખાય છે, પણ તેની અંદર ત્રણ ફાંટ હોય છે. પ્રેમના મામલામાં આવું ન ચાલે. બહાર વ્યક્ત થતો પ્રેમ અને ભીતર અનુભવાતો પ્રેમ- આ બન્નેનાં સ્વરૂપ એક હોવાં જોઈએ. આવું તો જ શક્ય છે જો લાગણીમાં સેળભેળ ન હોય.
રહિમન પૈંડા પ્રેમ કરોનિપટ સિલસિલૌ ગૈલ
બિછલત પાંવ પિપીલિકાલોગ લગાવત બૈલ.

પ્રેમનો માર્ગ લપસણો છે એવું ફિલ્મીગીતો લખનારાઓની પહેલાં રહીમે કહ્યું હતું. પ્રેમના રસ્તા પર કીડી પણ રેંગતી રેંગતી લપસી પડે છે અને પીઠ પર સામાન લાદીને ચાલતો બળદ હેમખેમ પસાર થઈ શકે છે. પ્રેમ એક એવું વિશ્વ છે જેમાં લાગણીને વ્યવહાર સમજતા લોકોનું કામ નથી. જેની લાગણી ઘડીકમાં વધી જતી હોય ને ઘડીકમાં ઓછી થઈ જતી હોય છે. આવી લાગણીને કંઈ પ્રેમ ન કહેવાય.
ઘડિ ચઢ ઘડિ ઉતરેવોહ તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ હિરદે બસેપ્રેમ કહિયે સોય.
પ્રેમ તૂટક તૂટક ન હોય, તેનું અસ્તિત્વ ટુકડાઓમાં નથી. તે સળંગ હોય, નિરંતર હોય. હા, સપાટી પર નારાજગી કે રીસના પરપોટા ઊઠી શકે, પણ તે આખરે તો એ પરપોટા જ છે. થોડી વારમાં ફૂટી જશે. સાચા પ્રેમનું વહેણ ગતિશીલ છે, જે કદી અટકતું નથી. સવાલ એ છે કે તો પછી પેલું જે ક્ષણોમાં તીવ્રતાથી પ્રગટીને શાંત થઈ જતું હોય છે તેનું કશું મહત્ત્વ નહીં?
રહિમન પ્રીતિ સરાહિએમિલે હોત રંગ દૂન,
જ્યોં જરદી હરદી તજૈતજૈ સફેદી ચૂન.

રહીમ કહે છે કે પ્રિય પાત્રને મળવાથી પ્રેમની તીવ્રતા વધતી હોય તો તે ખરેખર બહુ મજાની વાત છે. હળદર અને ચૂનાને એકમેકમાં ભેળવવામાં આવે તો બન્ને પોતપોતાના રંગોનો ત્યાગ કરીને એક ત્રીજો જ રંગ ધારણ કરી લે છે. બહુ સુંદર હોય છે આ રંગ. સાચો પ્રેમ પોતાની સાથે ત્યાગની ભાવનાને લેતો આવતો હોય છે.
રહિમન રિસ સહિ તજત નહીંબડે પ્રીતિ કી પૌરિ,
મૂકન મારત આવઈનીંદ બિચારી દૌરિ.

જે આપણને ઈમાનદારીભર્યો પ્રેમ કરતા હશે, એ આપણો ત્યાગ કરવાના નથી. આપણે એના પર ગમે તેટલો ક્રોધ વરસાવીએ તોપણ નહીં. ઊંઘને જેમ ગમે તેટલી દૂર ભગાડીએ, પણ મોકો મળતાં જ એ આપણને ઘેરી લે છે, તેમ સાચો પ્રેમ કરનારી વ્યક્તિ પણ આપણાથી દૂર રહી શકતી નથી. આ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે. જો આપણો પ્રેમ ઈમાનદારીભર્યો હશે તો આપણે પણ સામેના પાત્ર સાથે આવું જ વર્તન કરીશું.
ઘણી વાર સામેની વ્યક્તિને દૂરથી પ્રેમ કરતાં રહેવાનું શા માટે વધારે અનુકૂળ લાગતું હશે? જેવી તે વ્યક્તિ પાસે આવે, તેની સાથે સમય પસાર થાય કે મન ઊંચું થવા લાગે, કશુંક ઘવાઈ જાય, અકળામણ અને કોલાહલ વધતા જાય, પ્રેમ સિવાયની લાગણીઓ સળવળ સળવળ કરવા માંડે. આવું થાય એટલે ફરી તેનાથી અળગા થઈ જવાનું, તેનાથી દૂર ચાલ્યા જવાનું મન થાય. જાણે કે 'સેફ ડિસ્ટન્સ' જાળવીશું તો જ સંબંધ ટકશે. અંતર નહીં જળવાય તો પ્રેમ પણ નહીં જળવાય. આ એક વિરોધિતા છે! કબીર એક દોહામાં કહે છેઃ
જા ઘટ પ્રેમ ન સંચરેસા ઘટ જાનું મસાન
જૈસે ખાલ લુહાર કીશ્વાસ લેત બિન પ્રાન

એટલે કે જેના હૃદયમાં પ્રેમ નથી તે માણસનું શરીર એક સ્મશાન જેવું છે. જેમ લુહારની ધમણમાં જીવ ન હોવા છતાં તે જાણે શ્વાસ લેતી હોય તેમ હવાથી ઉપર-નીચે થયા કરે છે, તેમ પ્રેમ વગરના માણસનું શરીર સજીવ હોવા છતાં મરેલા સમાન છે. ક્યારેક મરેલા સંબંધને ચાબુક મારી મારીને ધરાર જીવતો રાખવાના ઉધામા થતા હોય છે.
પ્રેમ બિના નહીં ભેષ કછુનાહક કરે સો બાદ,
પ્રેમ ભાવ જબ લગ નહીંતબ લગ ભેષ સબ બાદ.

સંબંધની ડેડબોડી પર રૂપાળાં કપડાં પહેરાવી દેવામાં આવતાં હોય છે. વેલેન્ટાઇન્સ ડે જેવા અવસરોએ ખાસ. દિલમાં જ જ્યારે પ્રેમ ન હોય ત્યારે બાહરી સ્વાંગનો શો મતલબ છે?
પ્રેમના મામલામાં ઘણી વાર સામસામા છેડાની આત્યંતિક સ્થિતિઓ એકસાથે સાચી પડી જતી હોય છે. ક્યારેક લાગે કે પ્રેમ કદાચ સૌથી ઓવરરેટેડ લાગણી છે. એને નાહકનો આટલો બધો ચગાવી માર્યો છે લોકોએ. આનાથી વિપરીત, ક્યારેક એમ પણ લાગે કે પ્રેમ હજુય અન્ડરરેટેડ રહી ગયો છે, આપણે તેનું ખરું મૂલ્ય હજુય પૂરતું સમજ્યા નથી. સમજ્યા હોઈએ તો સ્વીકાર્યું નથી. પ્રેમ વિશેની આ મથામણ આખી જિંદગી, પેઢી-દર-પેઢી, બદલાતા જતા યુગો સાથે ચાલ્યા જ કરે છે, તેથી જ પ્રેમ સૌથી વધારે ચર્ચાતી માનવીય લાગણી છે!
સૌજન્ય : સંદેશ & ગુગલ ઈમેજ

Post a Comment

Previous Post Next Post